સમાચાર
ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬
ભાંડુપ સ્ટેશન રોડ પર Best બસની ટક્કરથી ચારનાં મોત, નવ ઘાયલ
તા.29 ડિસેમ્બર સોમવારની રાત્રે ભાંડુપ સ્ટેશન રોડ પર ઇઊજઝ બસએ રિવર્સ લેતી વખતે રાહદારીઓને અડફેટમાં લેતાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. ઘટના રાત્રે અંદાજે 10 વાગ્યે બની હતી, ત્યારે ઓફિસમાંથી ઘરે પરત ફરતા લોકોના કારણે સ્ટેશન વિસ્તાર ભીડભર્યો હતો.ડેપ્યુટી પોલીસ કમિશનર હેમરાજ સિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે, ભાંડુપની ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે અને નવ લોકો ઇજાગ્રસ્ત છે. બસના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોમાંથી કેટલાકને રાજાવાડી હોસ્પિટલ અને અન્યને મુલુંડની એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે, જેને રાજાવાડી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વધુ લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે, અકસ્માતની જાણ મળતા જ ભાંડુપ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના પછી પોલીસે સ્ટેશન રોડ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
ભાંડુપ સ્ટેશન રોડની જેમ જ મુલુંડ સ્ટેશન પાસે ખાસ કરીને આર.આર.ટી રોડ, એસ.એલ. રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય રીતે રાહદારીઓની ભારે અવરજવર રહે છે. અહીંથી પણ બેસ્ટની બસો જતી હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ, સ્થાનિક રહેવાસીઓ, રસ્તા પરના ફેરિયાઓ અને બેફામ રીતે હંકારાતી ઓટોરિક્ષાઓના કારણે રાહદારીઓ માટે બહુ ઓછી જગ્યા રહે છે. આવી પરિસ્થિતિમાં ભાંડુપમાં થયેલા આ અકસ્માતને ચેતવણી ગણી મુલુંડમાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે સત્વરે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.