સમાચાર
બુધ્વાર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫
ઇસ્ટર્ન ફ્રીવે એક્શટેન્શનનું કામ શરૂ : દક્ષિણ મુંબઈથી મુલુંડ-થાણે ફક્ત 25 મિનિટમાં
દક્ષિણ મુંબઈથી થાણે સુધી હવે માત્ર 25 મિનિટમાં પહોંચી શકાશે અને આ પ્રવાસ સિગ્નલ ફ્રી અને ટ્રાફિક મુક્ત રહેશે. સામાન્ય રીતે પીક અવર્સમાં આ દક્ષિણ મુંબઈથી મુલુંડ-થાણે સુધી પ્રવાસ કરવામાં કલાકો નીકળી જતા હોય છે. જોકે હવે ફ્રી-વેના વિસ્તારીકરણને કારણે પ્રવાસનો સમય બચી જવાનો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ઈસ્ટર્ન ફ્રી-વેના ઘાટકોપરના છેડાનગરથી થાણેના આનંદ નગર સુધીનું વિસ્તારીકરણનું બાંધકામ શરૂ કર્યું છે. કુલ 13.90 કિલોમીટરના એલિવેટેડ છ લેનના હાઈસ્પીડ કોરિડોરને કારણે દક્ષિણ મુંબઈથી મુલુંડ થાણે દરમ્યાનનો પ્રવાસ માત્ર 25થી 30 મિનિટમાં પૂરો કરી શકાશે.
એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રી-વે એક્ટેન્શનને કારણે થાણેના આનંદ નગરથી મુલુંડ, ઐરોલી, જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ, વિક્રોલી, કાંજુરમાર્ગ, માનખુર્દ અને ઘાટકોપર માર્ગે જશે અને છેવટે ઘાટકોપરના આનંદ નગરમાં પૂરો થશે. આ કોરિડોરને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થનારા ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. એલિવેટેડ રોડમાં મુલુંડ ચેકનાકા, ઐરોલી જંકશન અને વિક્રોલી જંકશનમાં પાસે અપ અને ડાઉન રેમ્પ હશે. નવઘર ફ્લાયઓવર નજીક ટોલ પ્લાઝા પાસે ત્રણ પ્લસ ત્રણ લેન એલિવેટેડ હશે. થાણેમાં આ પ્રોજેક્ટ આનંદ નગરથી સાકેત ફ્લાયઓવર સાથે મુલુંડ ઑક્ટ્રોય નાકા પાસે વધુ એક એલિવેટેડ કોરિડોરથી જોડવામાં આવશે, તેને કારણે મુંબઈથી નાશિક તરફ જનારા વાહનોનો પ્રવાસ વધુ ઝડપી બનશે. એ સિવાય સમુદ્ધી હાઈવે સાથે પણ આ એલિવેટેડ રોડ જોડાશે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ટ્રાફિક હળવો થશે.પ્રદૂષણમાં ઘટાડો થશે તેમ જ લાખો નાગરિકોનો પ્રવાસ પર્યાવરણપૂરક બની રહશે એવો દાવો એમએમઆરડીએ કર્યો હતો. અગાઉ પ્રોજેક્ટ અંતર્ગત વિક્રોલીમાં આવેલા પિંક ટ્રમ્પેટ વૃક્ષને કાપવામાં આવવાના હતા. જોકે પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોના વિરોધ બાદ વિક્રોલીથી ઘાટકોપર વચ્ચેના પટ્ટામાં પ્રોજેક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેથી 127 પિંક ટ્રમ્પેટ વૃક્ષ કપાતા બચી ગયા છે. તે પ્રમાણે જ આ પ્રોજેક્ટમાં અનેક વૃક્ષોને કાપવામાં આવવાના છે, તેની સામે કુલ 4,175 નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.