સમાચાર
બુધ્વાર, ૭ જાન્યુઆરી, ૨૦૨૬
મુલુંડની BAPS સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી સંપન્ન
મુલુંડ (વે)માં ગણેશ ગાવડે રોડ સ્થિત નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ગુરૂવાર, તા. 1 થી શનિવાર, તા.3 જાન્યુઆરી દરમ્યાન નિર્મલ લાઈફ સ્ટાઈલ મોલ ખાતે યોજાયો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શુક્રવાર, તા.26 ડિસેમ્બરના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા ‘બેહતર જીવન કી ઓર’ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું જેનો 2000થી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમોમાં ગુરૂવાર, તા.1 જાન્યુ.ના વિશ્ર્વશાંતિ મહાયાગ તેમજ ભજન સંધ્યા તેમજ 2 જાન્યુ.ના મુલુંડના વિવિધ રાજમાર્ગો પરથી મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા તથા શનિવારે, તા.3 જાન્યુઆરીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સભાનું આયોજન થયું હતું. નગરયાત્રામાં અંદાજે 2500 લોકો જોડાયા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શનિવાર, તા.3 જાન્યુ.ના રોજ ભવ્ય અને દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સાથે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે મહાપ્રસાદનો લગભગ 11 થી 12 હજાર હરિભક્તોએ લાભ લીધો હતો. નવનિર્મિત મંદિરના પરિસરમાં 7.30 વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિસભર વાતાવરણમાં બીએપીએસના વરિષ્ઠ સદ્ગુરૂ સંતો પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી (કોઠારી સ્વામી), પૂજ્ય વિવેકસાગરસ્વામી દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થઈ હતી.
નૂતન મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદસ્વામી, શ્રી રાધા-કૃષ્ણ ભગવાન, શ્રી ગુરૂ પરંપરા, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ સાંજે નિર્મલ લાઈફ સ્ટાઈલ મોલમાં સંતોએ હજારો ભક્તોને સંબોધ્યા હતા. આ કાર્ય ધર્મ ભક્તિ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સાકાર થયું હતું. ભવ્ય મહોત્સવમાં પાલક મંત્રી મંગલપ્રભાત લોઢા, વિધાનસભ્ય મિહિર કોટેચા, મુલુંડ પોલીસ સ્ટેશનના વપોનિ અજય જોશી, નિર્મલ લાઈફ સ્ટાઈલના ધર્મેશ જૈન, મનપાની આગામી ચૂંટણીના ભાજપાના ઉમેદવાર પ્રકાશ ગંગાધરે, ડૉ. હેતલ મોરવેકર-ગાલા, દિપીકા ઘાગ, પૂર્વ નગરસેવિકા સમિતા કાંબલે ઉપરાંત વિરલ શાહ, હેતલ જોબનપુત્રા સહિત વિવિધ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા.