સમાચાર
ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬
મુલુંડની નેચરોપથી ફિઝિશિયન ડૉ. રશ્મા શેટ્ટીએ મિસીસ ઈન્ડિયા-2025નો તાજ જીત્યો
મુલુંડ (ઈસ્ટ)માં રહેતા નેચરોપેથી ફિઝિશિયન ડો.રશ્મા મોહિત શેટ્ટી તા. 18 થી 21 ડિસેમ્બર દરમ્યાન જયબાગ પેલેસ, જયપુર ખાતે મિસીસ ઈન્ડિયા ઓફિશિયલના નેશનલ ડિરેક્ટર દિપાલી ફડનીસના નેતૃત્વ હેઠળ યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં મિસીસ ઈન્ડિયા- સિઝન 15નો તાજ જીત્યો હતો. ચાર દિવસીય સ્પર્ધામાં ટેલેન્ટ રાઉન્ડ, રેમ્પ વોક, નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ સહિત વિવિધ રાઉન્ડ યોજાયા હતા. નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં ડૉ. રશ્માએ જહેમતપૂર્વક ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કલ્પનાશીલ અને વિકાસમુખી વિવિધ પ્રોજેક્ટને દર્શાવ્યા હતા. આ ડ્રેસ સૌને માટે આકર્ષણ બન્યો હતો. 7 વર્ષીય પુત્રી નેસરાના મમ્મી જેમાં 33 વર્ષીય ડો. રશ્માએ આત્મવિશ્ર્વાસ, સમર્પણ અને સર્વાંગી શ્રેષ્ઠતાથી પાર કરીને મિસીસ ઈન્ડિયા 2025નો વિશિષ્ટ ખિતાબ જીતી લીધો હતો. મિસીસ ઈન્ડિયા 2025નો તાજ ગત વર્ષ 2024ની વિનર અરૂણાચલ પ્રદેશની કોજબાયાએ પહેરાવ્યો હતો. આ અનેરી સિદ્ધિ મેળવવા પૂર્વે ડો. રશ્માએ 2023માં મુંબઈમાં આકાંક્ષા મિસીસ બન્ટ્સ 2023માં અને 2024માં મિસીસ ઈન્ડિયા કર્ણાટક 2024માં ફર્સ્ટ રનર અપનો પુરસ્કાર જીત્યો હતો
ડૉ. રશ્માએ આ ફિલ્ડમાં તેમના પ્રવેશ અને સફળતા અંગે કહ્યું હતું કે તેઓ બાળપણથી જ શરમાળ અને અંતર્મુખી સ્વભાવના હતા પરંતુ ડાન્સ અને સ્પોર્ટસમાં અવ્વલ હતા તેથી લગ્ન બાદ તેમના સાસુએ તેમના સર્વાંગી ટેલેન્ટને પ્રોત્સાહન આપતા બ્યુટી પેજન્ટ કોમ્પિટીશનમાં ભાગ લેવા કહ્યું હતું. જોકે, સાસુના સ્વર્ગવાસ બાદ ડો. રશ્માના હસબન્ડ ડૉ.મોહિત તથા સસરાના પ્રોત્સાહન બાદ તેમણે 2023માં બ્યુટી 1 પેજન્ટ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સફળતા પ્રાપ્ત કરી હતી. ડો.રશ્મા તબીબી પ્રેક્ટિસ, હોમમેકરની ડ્યુટી બખૂબી બજાવીને ડો. રશ્માએ ઈનર વ્હિલ ક્લબ ઓફ મુલુંડ હિલ્સના કમિટિ મેમ્બર તરીકે સામાજિક સ્તરે મહિલાઓના સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત બીમારીઓ પર અનેક લાઈવ સેમિનારનું આયોજન કર્યું છે. હાલમાં તેઓ નવી મુંબઈની ડો. ડી.વાય. પાટીલ કોલેજ ઓફ નેચરોપેથીમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત ડો. રશ્માએ 2024માં મુંબઈ બન્ટ્સ ભવન, કુર્લા ખાતે યોજાયેલા ડો. શિવરામ કરંથ ડ્રામા ફેસ્ટિવલ 2024માં બેસ્ટ એક્ટ્રેસનો પ્રથમ પુરસ્કાર જીત્યો હતો.
રોટરી ક્લબ ઓફ મુંબઈ મુલુંડ વેલીના પ્લાસ્ટિક ફ્રી મુલુંડ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓ જોડાવા સંમત થયાં છે. જેને લીધે આ પ્રોજેક્ટને વેગ મળશે એવી આશા છે. રોટરી ક્લબ ઓફ મુલુંડ વેલીના મેમ્બર રોટેરિયન મનોહર શેટ્ટી અને સ્વ. મમતા શેટ્ટીના તેઓ પુત્રવધૂ છે.