સમાચાર
બુધ્વાર, ૫ નવેમ્બર, ૨૦૨૫
ઈજનેરી ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ : સોનાપુર જંક્શન પર મુંબઈ મેટ્રો 4નો સ્ટીલ સ્પાન સફળતાપૂર્વક સ્થાપિત
મુંબઈ મેટ્રો લાઈન 4ના નિર્માણમાં આ સપ્તાહે મહત્વપૂર્ણ ઈજનેરી તબક્કો પૂર્ણ થયો, જ્યારે મુલુંડના સોનાપુર સિગ્નલ જંક્શન પર 56 મીટર લાંબો 450 ટન વજનનો સ્ટીલ સ્પાન ગર્ડર સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો. આ સ્પાન સોનપુર જંકશન પરથી સુરક્ષિત રીતે મેટ્રો રૂૂટ પસાર થાય તે માટેની જટિલ ડિઝાઇનનો ભાગ છે. આ કામગીરી રાત્રે બે તબક્કામાં હાથ ધરાઈ હતી, જેમાં ભારે ક્ષમતાવાળા ક્રેન્સ અને મલ્ટીએક્સલ ટ્રેલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બીએમસીઅને મુંબઈ ટ્રાફિક પોલીસે શનિવાર રાત્રે 10 વાગ્યાથી રવિવાર સવારે 10 વાગ્યા સુધી તથા રવિવાર રાત્રે 10 થી સોમવાર સવારે 7 વાગ્યા સુધી એલબીએસ માર્ગ બંધ રાખ્યો હતો. આ દરમિયાન વાહનચાલકોને ભાંડુપના વિલેજ રોડ, મુલુંડ પશ્ર્ચિમના પંડિત જવાહરલાલ નહેરૂ રોડ અને સુભાષનગર રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.ટ્રાફિક વિભાગે જણાવ્યું કે આ કામગીરી દરમિયાન ઈમરજન્સી વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને બધા ડાયવર્ઝન માર્ગો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા હતા. બાકીની વેલ્ડિંગ અને બોલ્ટિંગની કામગીરી નવેમ્બર 3 થી ડિસેમ્બર 31 વચ્ચે નિયંત્રિત લેન બંધ સાથે ચાલુ રહેશે. 32.32 કિમી લાંબી મેટ્રો 4 લાઈન ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનો અને એલબીએસ માર્ગ પરનો ટ્રાફિક ઘટાડશે અને રોડ આધારિત મુસાફરીને ઝડપી અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ આપશે. વધુમાં ખાનગી વાહનો પરનો આધાર ઓછો થશે, અને પૂર્વપશ્ર્ચિમ જોડાણ વધુ મજબૂત બનશે. આ માર્ગ શરૂ થયા બાદ, થાણે વડાલા વચ્ચેની મુસાફરીનો સમય લગભગ 50% ઘટી જશે.
મેટ્રો 4 શરૂ થયા બાદ એલબીએસ રોડનો ટ્રાફિક ઘટશે, અને મુંબઈને વધુ સુલભ શહેર બનાવવા તરફનું એક મોટું પગલું સાબિત થશે.