રવિવાર, ૭ ડિસેમ્બર, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૯ નવેમ્બર, ૨૦૨૫

વીણાનગરની ફુટપાથ કોન્ટ્રેક્ટરો માટે બની છે ડમ્પિંગ સાઈટ, પાદચારીઓને ચાલવાનું મુશ્કેલ

મુલુંડ-વેસ્ટના વીણાનગર ફેઝ-2માં આવેલી ફુટપાથનો બીએમસીના રસ્તા અને ગટરની દુરસ્તીનું કામ કરતા કોન્ટ્રેક્ટર ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હોવાથી સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. રસ્તા અને ગટરના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ સામગ્રીનો કાટમાળ છેલ્લા કેટલાક મહિનાથી ફુટપાથ પર ખડકી દેવામાં આવ્યો છે. એના કારણે અહીં ગંદકીમાં મચ્છર થતા હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફુટપાથ પરનો કાટમાળ દૂર કરવાની માગણી કરવામાં આવી રહી છે.
વીણાનગર ફેઝ-2ના રહેવાસીએ જણાવ્યું હતું કે મનપા દ્વારા છેક આ વર્ષની શરૂૂઆતમાં અમારા વિસ્તારના રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. એમાં ડ્રેનેજ લાઇન પણ રિપેર કરવામાં આવી હતી. એ કામ માર્ચની શરૂઆતમાં પૂર્ણ થઈ ગયા બાદ પણ રસ્તાના સમારકામ દરમ્યાન બચી ગયેલી તમામ સામગ્રી ફુટપાથ પર ડમ્પ કરી દેવામાં આવી છે. છ મહિનાથી આ તમામ સામગ્રી જેમની તેમ અહીં રાખી મૂકવામાં આવી છે. આ સામગ્રીને કારણે સ્થાનિકો ફુટપાથનો ઉપયોગ કરી શક્તા નથી તેમ જ ફુટપાથ પર રાખવામાં આવેલા કાટમાળને કારણે ગંદકી પણ વધી ગઈ છે જેના કારણે મચ્છરની સમસ્યા વધી રહી છે. આ ફુટપાથ પરનો કાટમાળ દૂર કરવા માટે મનપાને ફરિયાદ કરવામાં આવી હતી. જોકે તેમના જ કોન્ટ્રેક્ટરે આ સામગ્રી રાખેલી હોવાથી અમારી ફરિયાદ સામે તેમણે આંખ આડા કાન કર્યા હતા. અમારી માગણી છે કે આ ફુટપાથ નાગરિકોને ચાલવા માટે યોગ્ય કરવામાં આવે.